અખાત્રીજ : આજે ભાવસભરનગરી ભાવનગરનો 298મો સ્થાપના દિવસ
Live TV
-
અખાત્રીજ એટલેકે ભાવસભરનગરી એવા ભાવનગરનો સ્થાપના દિવસ. ભાવનગર શહેરના તે સમયના મહારાજા ભાવસિંહજી ગોહિલ કે જેઓની રાજધાની સિહોર હતી ત્યાંથી તેઓ પૂર્વ દિશામાં આવેલા વડવા ગામ પાસે આવી ચડ્યા હતાં.
તેઓ નજીકમાં દરિયાકાંઠે આવેલા રૂવાપરી માતાજીના દર્શને ગયા વડવા અને રૂવાપરી વચ્ચેની ખુલ્લી જગ્યા તેમને ગમી ગઈ, આ સ્થળ ઘોઘાબંદરથી ૧૪ માઈલ ને અંતરે હતું. અહી રાજધાનીને લાયક ખુલી જમીન હતી, દુશ્મનોના ઘેરામાંથી બચવા નજીકમાં ખુલ્લો દરિયો હતો, એ સાથે સારું બંદર બનાવી દરિયાઈ વેપાર દ્વારા સમૃદ્ધિ વધારવાની શક્યતા હતી, આમ વિસ્તાર, સલામતી અને સમૃદ્ધિની ત્રિવિધ દ્રષ્ટિએ તેમને આ જગ્યા અનુકુળ લાગી.
આથી ભાવસિંહજી એ વડવા ગામના મહાજનને વિશ્વાસમાં લઇ મુરત લેવાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ થી સવંત ૧૭૭૯ ના વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે સોમવાર તા.૭ મેં ૧૭૨૩ ની સાલમાં સમુદ્ર તટે વડવા ના નાકે ભાવનગર શહેરના તોરણ બંધાયા, આમ અખાત્રીજએ ભાવનગર શહેરનો સ્થાપના દિવસ કે જન્મ દિવસ તરીકે ગણાય છે. આજે અખાત્રીજના દિને ભાવનગરના શહેર ના આજે ૨૯૭ વર્ષ પુરા થતા ૨૯૮ માં જન્મદિવસની લોકડાઉન વચ્ચે માત્ર સ્મૃતિ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે.
