અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 154મું અંગદાન થયું, 4 લોકોને મળ્યું જીવનદાન
Live TV
-
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 154માં અંગદાન થયું છે. કલોલના રહેવાસી 56 વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણાને 13 મેના રોજ ડાબા શરીરમાં લકવાની અસર સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 15 મેના રોજ તબીબોએ અમરતભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા.
અમરતભાઇના પરિવારમાં તેમના 90 વર્ષીય વૃદ્ધ માતા તેમજ 4 ભાઇ છે. પોતે અપરણિત હોવાથી અમરતભાઇ પોતાના ભાઇઓ સાથે રહેતા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે અમરતભાઇના ભાઇઓને બ્રેઇન ડેડ બાદ અંગદાન વિશે સમજાવતા તમામ ભાઇઓએ સાથે મળી અમરતભાઈના અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અમરતભાઈના અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ સ્કીનનુ દાન મળ્યુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, અમરતભાઈ ના અંગદાનથી મળેલ કિડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા દાખલ જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ પ્લાસ્ટીક સર્જરી વિભાગ અંતર્ગત આવેલ સ્કીન બેંકને મળેલા સ્કીન દાનથી પણ દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં સ્કીન પ્રત્યારોપણ કરી કુલ 4 લોકો ની જીંદગી આપણે બચાવી શકીશુ.
મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 154 અંગદાતાઓ થકી કુલ 497 અંગો તેમજ 3 સ્કીન નું દાન મળેલ છે. જેના થકી 481 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
