કોર્પોરેટ બાસ્કેટબોલ લીગની સિઝન-3, 170 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
Live TV
-
કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ (સીબીએલ)ની સીઝન-3નો ન્યૂ એલ જે. ઇન્સ્ટિટયૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સિંધુભવન રોડ) ખાતે શાનદાર શુભારંભ થયો છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના પ્રાદેશિક નિયામક મનુકાંત શર્મા અને રાજ્યપાલશ્રીના એડીસી વિકાસ સુન્ડા (આઈ.પી.એસ.) એ બાસ્કેટબોલ પ્રેમીઓમાં ભારે ઉત્તેજના સર્જનાર કોર્પોરેટ બાસ્કેટબોલ લીગનો શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી એલ.જે યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી રહી છે. બાસ્કેટબોલને પ્રોત્સાહન આપવા, બાસ્કેટબોલની રમતના ખેલાડીઓની પ્રતિભા વિકસાવવા અને બાસ્કેટબોલને વધુ લોકપ્રિય બનાવવાના ઉદ્દેશથી યોજાઈ રહેલી કોર્પોરેટ બાસ્કેટબોલ લીગમાં આઠ ફ્રેન્ચાઇઝીએ હરાજીની પ્રક્રિયા દ્વારા તેમની ટીમ બનાવી છે. આ વર્ષે હરાજીમાં 88 ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલના બાસ્કેટબોલ પ્લેયર્સમાં ₹8,00,000 થી વધુ ઑક્શન મનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટ બાસ્કેટબોલ લીગમાં સાત ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે. લીગ માળખામાં યોજાઈ રહેલી સ્પર્ધામાં 170 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
કોર્પોરેટ બાસ્કેટબોલ લીગના શુભારંભ સમારોહમાં એલ.જે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. દિનેશ અવસ્થી, લોક જાગૃતિ કેન્દ્રના પ્રમુખ ડૉ. મનીષ શાહ અને કોર્પોરેટ બાસ્કેટબોલ લીગના સીઈઓ ડૉ. વિરલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
