છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનું શહેરી વિકાસ બજેટ રૂ. 660 કરોડથી વધીને રૂ. 30,325 કરોડ પર પહોંચ્યું
Live TV
-
ગુજરાતના શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં રૂ.92,000 કરોડથી વધુની માતબર રકમની ફાળવણી.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતના શહેરોને તમામ પ્રાથમિક તથા માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અમલમાં મૂકીને શહેરી વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે 20 વર્ષ બાદ આ યોજના વિકાસની અનેરી ઊંચાઈઓ સર કરી રહી છે.
જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2005-06માં આ યોજના શરૂ થઈ ત્યારે ગુજરાતનું શહેરી વિકાસ બજેટ માત્ર રૂ.660 કરોડ હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં શહેરી વિકાસ વિભાગની બજેટ ફાળવણીમાં ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે વિભાગ માટે રૂ.30,325 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીએ 40% કરતાં પણ વધારે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં શહેરી જનતાની સુખાકારી માટે કુલ રૂ.92,000 કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત અગ્રેસર રહે તે દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શહેરોમાં સ્વચ્છતાના આગ્રહ સાથે નવી સોસાયટીઓ અને આઉટગ્રોથ એરિયા (શહેરની બહારના વિસ્તારો) સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાગરિકોની સુખાકારી અને વિકાસના કામો ક્યારેય નાણાંના અભાવે અટકશે નહીં.





