બહુચરાજીથી મોઢેશ્વરી માતાજીની પદયાત્રાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલના હસ્તે શુભારંભ
Live TV
-
શ્રી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી અને શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર, મોઢેરા બન્ને યાત્રાધામો ખાતે ભાવી ભક્તો બહોળા પ્રમાણમાં આવે છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર એક અખબારી યાદીમાં જણાવે છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ફરી શ્રી ભક્તિ શક્તિ પદયાત્રાનું ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે.
શ્રી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી અને શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર, મોઢેરા બન્ને યાત્રાધામો ખાતે ભાવી ભક્તો બહોળા પ્રમાણમાં આવે છે અને વાર તહેવારે લાખોની સંખ્યામાં પણ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતા હોય છે. બન્ને મંદિરો વચ્ચેના યાત્રામાર્ગનું અંતર લગભગ ૧૫ કી.મી. જેટલું છે.
કારતક સુદ પુનમના દિવસે શ્રી મોઢેશ્વર માતાજી મંદિરથી લઈ શક્તિપીઠ તીર્થ શ્રી બહુચરાજી માતાજી મંદિર સુધીના અંદાજીત ૧૫ કી.મી. ના યાત્રામાર્ગ પર ભાવિક ભક્તો દ્વારા વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રાનો હેતુ શક્તિપીઠ તીર્થ બહુચરાજી અને માતંગી તીર્થ શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર મોઢેરા આ બન્ને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો વચ્ચે ભક્તિનો સેતુ રચવાનો અને તેના મારફતે જન જનના મનમાં શક્તિ અને ભક્તિનો સંચાર કરવાનો છે.
તારીખ ૨૭/૧૧/૨૦૨૩ને દેવદિવાળીના પવિત્ર પર્વે પદયાત્રાના પ્રારંભ થશે
આ શુભ પ્રસંગે સી.આર. પાટીલ, સાંસદ અને અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આ પદયાત્રાનો શુભારંભ તારીખ 27 નવેમ્બર 2023 દેવ દિવાળીના દિવસે સવારે 9:30 કલાકે શ્રી મોઢેશ્વરી મંદિર મોઢેરા ખાતેથી થશે.આ પદયાત્રા સુખદ અને સલામત બની રહે એ હેતુથી રાજ્યના મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૩ના રોજ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું તથા સ્થળ મુલાકાત લઈને ટૂંકા ગાળાના આયોજનના ભાગરૂપે રસ્તાની આજુબાજુમાં સાફ સફાઈ, સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થા સમીક્ષા કરવામાં આવી.
ભવિષ્યના લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે પગદંડી બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેમાં માટીકામ, બન્ને બાજુ વૃક્ષારોપણ, સાઈનબોર્ડ જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જનતાજનાર્દનને સંસ્કૃતિ, શ્રદ્ધા અને શક્તિ-ભક્તિના ઉત્સવ સમાન આ પદયાત્રામાં જોડાવા આહવાહન કર્યુ છે અને ભવિષ્યમાં આ પદયાત્રા પ્રત્યેક પૂનમે યોજાય તેવી એક પરંપરા બને એવી માતાજીના ચરણોમાં અભ્યર્થના.
