મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની લીધી મુલાકાત
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની ભાગોળે આકાર લઇ રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આંતરરાષ્ટ્રીય હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આવ્યા હતા. તેમજ હેલીપેડ, રન-વે અને બ્રિજ નિર્માણ, બોક્સ કલવર્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી વતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સ્વાગત કરતાં કલેકટર અરુણ મહેશ બાબુએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હિરાસર એરપોર્ટની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી.
કલેકટરએ ફાયર સ્ટેશન, એ.જી.એલ. સબ સ્ટેશન, એમ.ટી.પુલ, એ.ટી.સી. સહિતના કામગીરીનો પ્રગતિ રિપોર્ટ મુખ્યમંત્રીસમક્ષ રજૂ કર્યો હતો. અને આ તમામ કામોની વર્તમાન સ્થિતી અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. હિરાસર એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેરજર લોકનાથે મુખ્યમંત્રીને સાઈટ પર થયેલી અત્યાર સુધીની કામગીરી અંગેની વિગતવાર જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હીરાસર મુલાકાતના પ્રારંભે વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડી.વાય.એસ.પી.પ્રવિણ કુમાર મીના, ડેપ્યુટી કલેકટરઓ, મામલતદારઓ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ વગેરે હિરાસર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
