મોરબીના મીનાબેન સખનપરાએ 'સરસ મેળા'માં ટેરાકોટા અને માટીકામની કળાથી જમાવ્યું આકર્ષણ
Live TV
-
નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ: મોરબીના મીનાબેન સખનપરાએ 'સરસ મેળા'માં ટેરાકોટા અને માટીકામની કળાથી જમાવ્યું આકર્ષણ
રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ પર ચાલી રહેલા 'સરસ મેળા'માં ગ્રામીણ મહિલાઓની પ્રતિભા અને હસ્તકળાના અદભુત દર્શન થઈ રહ્યા છે. આ મેળામાં મોરબી જિલ્લાના ત્રાજપર વિસ્તારના 'જય બજરંગ મહિલા મંડળ' સાથે જોડાયેલા મીનાબેન સખનપરાએ પોતાની અદભુત ટેરાકોટા, વુડન ટોયઝ અને માટીકામની કળા દ્વારા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જમાવ્યું છે.
સંઘર્ષથી સ્વાવલંબન સુધીની સફર
પોતાના સંઘર્ષ અને આર્થિક સશક્તિકરણની સફર વિશે વાત કરતા મીનાબેન જણાવે છે કે, અગાઉ જ્યારે તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા નહોતા, ત્યારે પરિવારમાં કમાણી કરનાર માત્ર એક જ વ્યક્તિ હતા અને ભવિષ્યની આર્થિક સુરક્ષાને લઈને અનેક સવાલો મનમાં રહેતા. પરંતુ આજરોજ તેઓ પોતાની કળાના માધ્યમથી ઘરના નાના-મોટા ખર્ચાઓ જાતે જ સંભાળી રહ્યા છે અને આત્મનિર્ભર બન્યા છે.
રાજ્ય સરકાર અને GLPCનું પ્લેટફોર્મ આશીર્વાદરૂપ
મીનાબેન ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતા 'સરસ મેળા' જેવા ભવ્ય પ્લેટફોર્મ્સ પર કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ તેમજ રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ મળી રહે છે, જેના કારણે ગ્રામીણ મહિલાઓને વેપાર કરવામાં ખૂબ જ સરળતા રહે છે.
મહિલા સશક્તિકરણનું સીમાચિહ્ન
ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને GLPC (ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની) દ્વારા યોજાતા સરસ મેળાઓ સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યા છે.
મીનાબેન સખનપરા અને તેમની સખી મંડળની બહેનોની આ સફર એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે નારી શક્તિને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે, ત્યારે તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે.
