હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
Live TV
-
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.અરબ સાગરમાં સમુદ્રી હિલચાલ સર્જાવાને કારણે 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 25-30 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મૌસમ વૈજ્ઞાનિક,રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ માટે ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઇ શક્યતા નથી. ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ, આગામી 24 કલાક સુધી બંને શહેરોમાં 44 ડિગ્રી સુધી તપામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત આગામી બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. ત્યારબાદ રાજ્યના કોઈપણ જિલ્લામાં હીટવેવ અથવા ગરમીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. આથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે.
પરંતુ હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે.
ગઈકાલે અમદાવાદ શહેરમાં હીટવેવની અસર વર્તાઈ હતી, તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, ગઈકાલે ગુજરાત પર આવતા પવનો ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ફૂંકાયા હતા. તેને કારણે અમદાવાદ શહેરનું તાપમાન વધ્યું હતું. પરંતુ આજથી ફરી એક વખત પવનની દિશા બદલાઇને પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી થશે.
