ઉનાળાના વેકેશનમાં ગુજરાત ST નિગમની કમાલ, 19,200 એક્સ્ટ્રા ટ્રીપ દ્વારા 9.60 લાખ મુસાફરોએ કરી સફર
Live TV
-
ઉનાળાના વેકેશનમાં ગુજરાત ST નિગમની કમાલ, 19,200 એક્સ્ટ્રા ટ્રીપ દ્વારા 9.60 લાખ મુસાફરોએ કરી સફર
ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોને વતન જવા તેમજ પ્રવાસન સ્થળોએ ફરવા માટે પૂરતી પરિવહન સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ આ વર્ષે એસ.ટી. નિગમે રેકોર્ડ બ્રેક 19,200 જેટલી એક્સ્ટ્રા બસ ટ્રીપનું સફળ સંચાલન કર્યું હતું.
9.60 લાખ મુસાફરોએ લીધો એક્સ્ટ્રા બસોનો લાભ
એસ.ટી. નિગમ દ્વારા કરાયેલા આ ખાસ આયોજનને મુસાફરો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો છે. ઉનાળાના વેકેશનના ગાળા દરમિયાન રાજ્યના અંદાજિત 9.60 લાખ મુસાફરોએ આ વધારાની બસ સેવાનો લાભ ઉઠાવીને પોતાની મુસાફરી સુખરૂપ પૂર્ણ કરી હતી.
આ મુખ્ય શહેરો અને ધાર્મિક સ્થળો પર વિશેષ ફોકસ
મુસાફરોનો ધસારો ધ્યાને રાખીને નિગમ દ્વારા રાજ્યના પ્રમુખ શહેરો અને યાત્રાધામોને જોડતી વિશેષ ટ્રીપ દોડાવવામાં આવી હતી. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગોધરા જેવા પ્રમુખ જિલ્લાઓ. સોમનાથ, દ્વારકા, પાવાગઢ, શામળાજી અને અંબાજી જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામો માટે ખાસ બસો દોડાવવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન નડે.
પીએમ મોદીની અપીલની અસર: એસ.ટી. મુસાફરોમાં દૈનિક 15,000 નો વધારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પર્યાવરણની રક્ષા અને ઈંધણની બચત કરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. આ અપીલની ગુજરાતના નાગરિકો પર વ્યાપક અસર જોવા મળી છે. પરિણામે, ખાનગી વાહનો છોડીને એસ.ટી. બસ પસંદ કરનારા મુસાફરોની સંખ્યામાં દૈનિક 15,000 સુધીનો મોટો વધારો નોંધાયો છે.
વહીવટી તંત્રની પીઠ થાબડી:
મંત્રી હર્ષ સંઘવીએ વેકેશન દરમિયાન મુસાફરોને ઉત્કૃષ્ટ સેવાઓ આપવા અને ચોકસાઈપૂર્વક આયોજન કરવા બદલ એસ.ટી. નિગમના અધિકારીઓ, ડ્રાઈવરો અને કંડક્ટરોની કામગીરીને બિરદાવી છે.
