કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો અને વંચિતોને ધ્યાનમાં રાખીને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આજે પ્રધાનમંત્રી મોદીએ શિમલાથી દેશવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનના ભાગરૂપે આ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે પીએમ કિસાન હેઠળ ૧૦ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૧ હજાર કરોડથી વધુના ૧૧માં હપ્તાની ચૂકવણી કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેન્દ્રીય પુરસ્કૃત તેર યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો જેણે મેળવ્યા છે એમાંથી શીખીને બાકી રહેલ નાગરિકોને આ યોજનાના લાભો મેળવવા આહવાન કર્યુ હતું. તેમણે લાભાર્થી પરિવારોને એમના બાળકોને શિક્ષણ આપવા અનુરોધ કરતા કહ્યુ કે, આજના સમયમાં શિક્ષણ જ ઉન્નતિનો માર્ગ છે એટલે શિક્ષણ માટે સરકાર તમારી પડખે છે અને રહેશે જ. ત્યારે આપની પણ ફરજ છે કે બાળકોને ભણાવીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓ સાથે કરેલ પ્રત્યક્ષ સંવાદના મુખ્ય અંશો આ મુજબ છે.
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની વિવિધ યોજનાઓના ગુજરાતના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લેનાર કચ્છના કુનરીયા ગામમાં રહેતા લાભાર્થી મિતેશભાઈ વિરમભાઈ ડાંગર સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો. મિતેશભાઈએ કહ્યું હતું કે, પહેલાં હું કાચા મકાનમાં માસિક ભાડું ચૂકવીને રહેતો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મારું પોતાનું મકાન મળ્યું છે. પહેલાંના મારા કાચા મકાનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુમાં ખૂબ તકલીફો ભોગવી હતી. જેમ દરેક વ્યક્તિને પોતાનું મકાન બનાવવાનું સ્વપ્ન હોય, તેમ મારું પણ પોતાનું મકાન બનાવવાનું સપનું હતું. સરકારની આ યોજના થકી મારું આ ખૂબ મોટું સ્વપ્ન પૂરું થયું છે. મકાન બનાવવા માટે આ યોજના થકી મદદરૂપ થનાર સરકારનો આભાર માની મિતેશભાઈએ ઉમેર્યું કે, આ યોજના સિવાય મને ઘરમાં ગેસ કનેક્શન માટે ઉજ્જવલા યોજના અને આરોગ્ય સુરક્ષા માટે આયુષ્યમાન યોજનાનો લાભ મળ્યો છે. એટલું જ નહિ, નલ સે જલ યોજના હેઠળ મારા ઘરમાં જ નળથી પાણી મળતું થઈ ગયું છે.
કોરોનાના કપરા કાળમાં ગુજરાન ચલાવવું અઘરું હતું ત્યારે સરકારની ગરીબ કલ્યાણ અન્ન યોજના મારા માટે આશીર્વાદરૂપ નીવડી : પંચમહાલ જિલ્લાના લાભાર્થી સેજલબેન પરમાર
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામના લાભાર્થી સેજલબેન પરમારે કહ્યું કે, કોરોના મહામારીના કપરા કાળમાં પરિવાર અને બાળકોનું ગુજરાન ચલાવવું અઘરું હતું ત્યારે સરકારની ગરીબ કલ્યાણ અન્ન યોજના મારા માટે આશીર્વાદરૂપ નીવડી છે. મિશન મંગલમ યોજના થકી નોકરી મળી છે અને પોતાની આગવી ઓળખ ઉભી થઇ છે. પીએમ આવાસ, પીએમ ઉજ્જવલા અને આયુષ્માન ભારત યોજનાનો તેમણે લાભ લીધો છે તેમ જણાવી પ્રધાનમંત્રી અને મુખ્ય મંત્રીનો આભાર માન્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામના વતની સંગીતાબેન રાવળ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મને રાજ્ય સરકારની પ્રધાનમંત્રી (ગ્રામ્ય) આવાસ યોજના, જનની સુરક્ષા, વન નેશન વન રેશન અને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે. આ યોજનાઓનો લાભ લેવામાં મને કોઈ તકલીફ પડી નથી. ગામમાં જ મને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહ્યો છે. હું ઘર કામ કરું છું. મારા પતિ છૂટક મજૂરી કરે છે. અમે બન્ને બાળકોને ભણાવીશું. મારા પરિવાર વતી હું સરકારનો આભાર માનું છું.
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ સંમેલનમાં મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના ગુજરાતના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
જે અંતર્ગત લોકોના સ્વાસ્થ્યની દરકાર કરતી 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'ના લાભાર્થી ખેડા-મહેમદાબાદના વતની ૨૮ વર્ષીય મયુરભાઈ પટેલે મુખ્યમંત્રી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, "મારા હૃદયમાં તાર વધતો જતો હોવાથી મને ઘણા સમયથી હાર્ટબીટ વધી જવાની ગંભીર તકલીફ હતી. આ જટિલ બીમારીથી છુટકારો મેળવવા માટે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચો એક લાખ સુધીનો થાય તેમ હતો. પરંતુ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડની મદદથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં મારું આ ઓપરેશન વિનામૂલ્યે થયું. માત્ર એક જ દિવસમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને હૃદયમાં રહેલા તારને બાળીને મારું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સરકારની આ યોજના થકી આજે હું સ્વસ્થ થયો છું તે બદલ હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનું છું.લાભાર્થી યામિનીબહેન સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પોતાના પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોથી કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ સિલાઈ કામ કરવા સૌપ્રથમ રૂપિયા ૧૦,૦૦૦ની લોન બેંક દ્વારા આપવામાં આવી હતી. આ લોન સમયસર ભરપાઈ કરવાથી બીજીવાર રૂપિયા ૨૦,૦૦૦ની લોન લીધી છે તેમાં પણ કુલ ૭ હપ્તા ભરી દીધા છે. પ્રધાનમંત્રી દ્વારા અમારા જેવા નાના માણસો પાથરણા- ફેરીયાવાળા માટે શરૂ કરાયેલી આ પીએમ સ્વનિધિ યોજનાથી અમારે કોઇની પાસે નાણા માગવા પડતા નથી અને અમે સાચા અર્થમાં આત્મનિર્ભર બન્યા છીએ. આ બદલ પીએમ સાહેબનો અને આપનો ખૂબ-ખૂબ આભાર.
મુખ્યમંત્રીએ યામિની બહેન સાથે સંવાદ કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ ગુજરાત સહિત દેશભરના નાના ફેરિયા-પાથરણાવાળા માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી છે. તમે આ યોજનામાં નિયમિત હપ્તા ભરો છો તો તમને રૂપિયા ૧૦,૦૦૦, રૂપિયા ૨૦,૦૦૦ અને રૂપિયા ૫૦,૦૦૦ સુધીની લોન મળે છે. આ સહાયથી તમારે કોઈની સામે હાથ લાંબો કરવો પડતો નથી. તમને સાચા અર્થમાં આર્થિક રીતે પગભર બનાવે છે. કેન્દ્ર-રાજ્યની યોજનાઓનો મહત્તમ લાભ લેવા પણ મુખ્યમંત્રીએ રાજ્યભરના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
કચ્છના ગાગર ખારી ગામના લાભાર્થી સમીબહેને જણાવ્યું કે, કાચા માટીના ઘરમાં રહેતો ૭ વ્યક્તિનો પરિવાર આજે પ્રાથમિક સુવિધાઓ સાથે પાકા મકાનમાં નિવાસ કરી રહ્યો છે તો એ માત્ર પીએમ આવાસ યોજના, નલ સે જલ અને ઉજ્જવલા યોજનાને આભારી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલય બનવાથી હવે શૌચ માટે બહાર જવું પડતું નથી. દીકરી ડાહીબેનની ગર્ભાવસ્થા દરમિયાનથી લઈને સુવાવડ અને બાળકના જન્મ પછી પણ નવ મહિના સુધી પોષણ અભિયાન અંતર્ગત જનની સુરક્ષા અને બાળકને યોગ્ય પોષણ પણ મળી રહે છે. સંકટ સમયની સાંકળ સમણન આયુષ્યમાન કાર્ડ પણ અમારી પાસે છે તેમ જણાવી સરકારનો આભાર માન્યો હતો.
