ગાંધીનગરમાં અખબાર ભવન ખાતે ''હેપ્પી રક્તદાન શિબિર''નું આયોજન
Live TV
-
હાલમાં ઉનાળાની આકરી ગરમીના દિવસો ચલી રહ્યાં છે, આ સ્થિતિમાં રક્તદાનની પ્રવૃત્તિમાં ઓટ આવવાને કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્ત પુરવઠાની ખેંચ વર્તાઈ રહી છે. આ બાબતને અનુલક્ષીને “હેપ્પી યુથ ક્લબ” દ્વારા બેંક ઓફ ઇન્ડિયાની ઝોનલ કચેરીના સહયોગથી 19 મે, 2024 રવિવારના રોજ સવારે 8:30 થી બપોરના 12 વાગ્યા દરમ્યાન ગાંધીનગરના સેક્ટર- 11 માં બીએસએનએલ નજીક સ્થિત અખબાર ભવનના કમિટી રૂમ ખાતે “હેપ્પી રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસે શહેરની સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબનો નવમો સ્થાપના દિન છે.
આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે “રક્તદાતા પ્રોત્સાહન કિટ” આપી સન્માનીત કરવામાં આવશે. “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવશે. આ “હેપ્પી રક્તદાન શિબિર”માં એકત્રિત રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને અકસ્માત, ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે જીવન બચાવવા ઉપયોગી નીવડશે. માનવસેવાના આ કાર્યમાં મોટી સંખ્યામાં સામેલ થવા શહેરના રક્તદાતાઓ, યુવાનોને હેપ્પી યુથ ક્લબ સહિત સહઆયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
