સુરેન્દ્રનગર : બાળકોના સર્વાંગી વિકાસ માટે આયોજિત "નિઃશુલ્ક યોગ સમર કેમ્પ" સંપન્ન
Live TV
-
જિલ્લામાં જુદા જુદા 8 સ્થળોએ 1,000 થી વધુ બાળકોએ યોગાસન, ગીતાજીના શ્લોક, વૈદિક યજ્ઞ, વિવિધ રમતો શીખી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે તા. 20 મે, 2024 થી તા.29 મે, 2024 સુધી નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના શહેરી વિસ્તારોમાં અલગ-અલગ 8 જેટલાં સ્થળોએ યોગ સમર કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં 7 થી 15 વર્ષના 1,000 થી વધુ બાળકો જોડાયા હતા. આ કેમ્પમાં ગીતાજીના શ્લોક, વૈદિક યજ્ઞ, મંત્રના ઉચ્ચારણથી શરૂ કરી ઊંચાઈ વધારતા, પાચન તંત્ર મજબૂત બનાવતા, યાદશક્તિ વધારતા આસન તેમજ પ્રાણાયામ કર્યા બાદ યાદશક્તિ અને એકાગ્રતા વધારતી વિવિધ રમતો બાળકોને શીખવવામાં આવી હતી. દેશની ભાવિ પેઢી એવા આ બાળકોમાં સમુહ ભાવના, વડીલો પ્રત્યે આદર ભાવ વિકસે તેમજ દેશના જવાબદાર અને આદર્શ નાગરિક બની રહે તે માટે જરૂરી બાબતો સૂચવવામાં આવી હતી.
યોગ- ધ્યાન- પ્રાણાયામ સાથે બાળકો તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક ખાનપાનની આદતો કેળવે તે માટે રોજ પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવતો હતો. બાળકોને નિયમિત યોગાભ્યાસ કરવાથી થતા ફાયદા અંગે સમજણ આપી સમર કેમ્પ બાદ પણ યોગને જીવનશૈલીનો ભાગ બનાવી યોગાભ્યાસ ચાલુ રાખી શકે તે માટે ટોપી, ટી શર્ટ તેમજ સચિત્ર બે યોગ પુસ્તિકા પણ આપવામાં આવી હતી, તેમ યોગ કોર્ડીનેટર નીતા દેસાઈની યાદીમાં જણાવાયું છે.
