હજુ પણ રાજ્યમાં આગઝરતી ગરમીનો પ્રકોપ રહેશે યથાવત, ઓરેન્જ એલર્ટ જાહેર
Live TV
-
ભરઉનાળે વરસાદ બાદ હવે રાજ્યમાં અંગદઝાડતી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યમાં આકરી ગરમીની ગરમીની આગાહી કરી. રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે. અને હીટવેવની સાથે અનેક જગ્યાએ 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો 45.5 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બનાસકાંઠાના ડીસામાં પણ 45 ડિગ્રી તાપમાન સાથે રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી. અમદાવાદ અને પાટનગર ગાંધીનગર પણ 44.5 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. રેકોર્ડબ્રેક તાપમાન સાથે અમદાવાદમાં આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. તો આ તરફ રાજકોટમાં 44.5 ડિગ્રીએ પહોંચી ગયું તાપમાન. ભુજમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આણંદમાં 43.5, અમરેલીમાં 43.4 અને વડોદરામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
