CBSE ના વિદ્યાર્થીઓ તેમના ગૃહ જિલ્લામાં આપી શકશે પરીક્ષા
Live TV
-
કોવિડ-19ને કારણે અમલી લોકડાઉનમાં સીબીએસઇમાં ભણતા જે બાળકો પોતાના ગૃહ જિલ્લા કે અન્ય પ્રદેશમાં જતા રહ્યા છે, તેમને હવે પરીક્ષા આપવા ચિંતા કરવાની જરૂર નથી. સીબીએસઇ તેમની ધોરણ 10 અને 12ની પરીક્ષા તેમના ગૃહ જિલ્લામાં જ યોજવા વિચારી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે કોવિડ-19 સંક્રમણને પગલે હજારો વિદ્યાર્થી તેમના ગૃહ પ્રદેશમાં જતા રહ્યા હતા. તેવા વિદ્યાર્થીઓની મુઝવણને સમજીને કેન્દ્રીય શિક્ષણ માધ્યમિક બોર્ડે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ ગૃહ જિલ્લામાં જ પરીક્ષા આપી શકશે. આ કાર્યવાહી માટે વિદ્યાર્થીએ નોંધણી કરાવવી પડશે. બોર્ડ તેની જાહેરાત કરશે. નિશંકે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેઓ પોતાની શાળાને તે વાતની જાણકારી આપે કે તેઓ કયા જિલ્લામાં છે અને ક્યાંથી પોતાની પરીક્ષા આપવા માંગે છે. પરીક્ષા પહેલી જુલાઇથી 15 જુલાઇ વચ્ચે યોજાશે. ધોરણ 12ની બાકી રહી ગયેલી પરીક્ષા સમગ્ર દેશમાં યોજાશે જ્યારે ધોરણ દસની પરીક્ષા માત્ર ઉત્તર - પુર્વ દિલ્હીમાં યોજાશે.
