IFFCOની ચૂંટણીનું પરિણામ જાહેર, જયેશ રાદડિયાની થઈ જીત
Live TV
-
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીના પરિણામ ગઈકાલે જાહેર થયા હતા. દિલ્હી ખાતે યોજાયેલી આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાએ 113 મત સાથે વિજય મેળવ્યો હતો. ગુજરાત ભાજપે બિપિન પટેલને ભાજપનું મેન્ડેટ આપ્યું હતું .બિપિન પટેલ સામે જયેશ રાદડીયાની ભવ્ય જીત થતા ઇફ્કોના નવા ડિરેક્ટર તેઓ બન્યા છે. મહત્ત્વનું છે કે, જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે તેમજ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. ભાજપે બિપિન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો છે, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટ વગર પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 67 મત જ મળ્યા હતા.
ઈફ્કોમાં જીત બાદ જયેશ રાદડિયાએ કહ્યું કે, ખેડૂતોના હિત માટે સારુ કામ કરીશું. હું ભાજપનો જ કાર્યકર છું. સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હતા. સહકારી ક્ષેત્રમાં ખૂબ જ મોટો ઉલટફેર થયો છે. ભાજપે જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું તેની કારમી હાર થઈ છે. સહકારી ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે.
હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું ખૂબ જ સારુ વર્ચસ્વ છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયા જામકંડોરણા જેતપુર બેઠક પરથી હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.
