'વન નેશન, વન ઈલેક્શન' બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે
Live TV
-
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' સંબંધિત બિલને મંજૂરી આપી દીધી છે. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, આ સત્રમાં આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય કેબિનેટે 'વન નેશન, વન ઇલેક્શન' પર રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને પહેલા જ મંજૂરી આપી દીધી છે. આ બિલ સમગ્ર દેશમાં એક ચૂંટણીનો માર્ગ મોકળો કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર હવે બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે. સરકાર તેને વિગતવાર ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ અથવા જેપીસીને મોકલી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આ વર્ષે સપ્ટેમ્બરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે તબક્કાવાર ચૂંટણીઓ યોજવા માટે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના અમલીકરણને મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. આ પ્રક્રિયામાં અન્ય હિતધારકોને પણ સામેલ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ ચર્ચામાં બંધારણીય નિષ્ણાતોની સાથે તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષ સામેલ થવાની આશા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'વન નેશન, વન ઇલેક્શન' લાગુ કરવા માટે ઓછામાં ઓછા છ બિલ લાવવા પડશે. કેન્દ્ર સરકારને સંસદમાં બે તૃતિયાંશ બહુમતની જરૂર પડશે. સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં NDA પાસે સાદી બહુમતી છે. પરંતુ, કેન્દ્ર સરકાર માટે ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરવી પડકારરૂપ બની શકે છે.
