જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર જાગૃત્તિની બે દિવસીય ઝુંબેશનો પ્રારંભ
Live TV
-
ગાંધીનગર જિલ્લામાં ઓછું મતદાન ધરાવતા 55 મથકોના મતદારોને પત્ર લખી મતદાનની અપીલ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી
ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં અગાઉની ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા 55 મતદાન મથકો પર મતદાનની ટકાવારી વધારવા માટે મતદાન જાગૃત્તિની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મતદાન મથકોના નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે.એ પત્ર લખી મતદાન કરવાની અપીલ કરી છે. આ પત્ર દરેક મતદારને આપવામાં આવે છે. તદુપરાંત, જિંગલ થકી પણ મતદાન જાગૃત્તિ અભિયાન કરવામાં આવી રહ્યું છે.
આ માટે જિલ્લામાં કુલ- 1350 મતદાન મથકો આવેલા છે. જેમાંથી 55 મતદાન મથકો એવા છે, જયાં ગત ચૂંટણીમાં ઓછું મતદાન નોંધાયું હતું. ત્યારે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022માં આ મતદાર મથકોના વિસ્તારોમાં મતદાન અંગેની જાગૃત્તિ આવે, લોકશાહીના અવસર સમા મતદાન દિવસમાં મતદાન કરીને સહભાગી બને અને પોતાના મતનું મૂલ્ય સમજે, તેવા ઉમદા આશયથી ‘અવસર રથ’ દ્વારા જાગૃતિ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત, સ્વીપ દ્વારા પણ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવિણા ડી. કે. દ્વારા મતદારોને અપીલ કરતો પત્ર લખવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને આ પત્રનું વિતરણ કરી, મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સિવાય, જાહેર સ્થળો ખાતે જિંગલ્સ થકી મતદારોમાં જાગૃત્તિ લાવવાનો નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. ખાસ મતદાર જાગૃત્તિ ઝુંબેશ તા. 04 ડિસેમ્બર સુધી ચાલશે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી લોકશાહીનો અવસર છે, આ અવસરમાં સૌ નાગરિકોને મતદાન કરીને સહભાગી થવા માટે પણ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવિણા ડી.કે.એ અપીલ કરી છે.
