આજે વિશ્વ સિંહ દિવસ, પોરબંદરમાં કરાશે રાજ્યસ્તરીય ઉજવણી
Live TV
-
આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહેશે.
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે સવારે 08:30 કલાકે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહનવ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં નાગરિકો સહભાગી બનવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
સિંહોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
ગીરનો સિંહ પુસ્તકમાં લેખક શ્રી ડો.સંદિપકુમાર અને બીજા લેખક શ્રી મોઇન પઠાણે આ પુસ્તકમાં એવું નોંધ્યુ છે કે, ઐતિહાસિક રીતે સિંહ સમગ્ર મધ્ય તહેરિન, આરબ દેશો અને ભારતમાં હતા અને આફ્રિકા સુધી વિસ્તારેલા હતા. એક માન્યતા એવી છે કે ઈ.સ. 1100 માં યુરોપમાંથી સિંહ નામશેષ થઈ ગયા. 12 મી સદીમાં પેલેસ્ટાઈનમાં અને 19મી સદીની શરૂઆત સુધીમાં સિરિયા અને ઈરાનમાં સિંહ જોવા મળ્યા હોય તેવા પુરાવા છે. સિંહ હવે માત્ર આફ્રિકા અને ભારતમાં બચ્યા છે. આશરે 1,00,000 વર્ષ પહેલાં આફ્રિકન એશિયાઈ સિંહ જુદા પડી ગયા હતા. એ સમયે સિંહ બિહારથી લઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી વિહરતા હતા.
સિંહોનો લુપ્ત થવાનો સમય જોઈએ તો બિહારમાંથી 1840, દિલ્હીમાંથી 1834, ભાગલપુરમાંથી 1842, પૂર્વીય વિંધ્ય અને બુંદેલખંડમાંથી 1865, મધ્ય ભારતમાંથી અને રાજસ્થાનમાંથી 1870 અને પશ્ચિમ અરવલ્લીના વિસ્તારોમાંથી 1880 માં સિંહ લુપ્ત થઈ ગયા હતા. સૌરાષ્ટ્રની બહાર છેલ્લો સિંહ 1884માં નોંધાયો હતો. શિકારની પ્રવૃતિએ ભારતના બીજા ભાગોમાંથી 1880 સુધીમાં સિંહની વસ્તીને નામશેષ બનાવી દીધી હતી.
સૌરાષ્ટ્રમાં સિંહ ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, આલેચના ડુંગરા, બરડા ડુંગર, ગીર અને ગીરનારમાં અસ્તિત્વ ધરાવતા હતા. 19મી સદીની શરૂઆતમાં ખેતી અને આધુનિકીકરણના કારણે જંગલો ઘટવાથી ગીર, ગીરનાર અને આલેચ તથા બરડા વચ્ચેના અવરજવરના માર્ગો બંધ થઈ ગયા. આથી છેવટે સિંહની વસ્તી ગીરનાં જંગલો પૂરતી સીમિત રહી ગયા.
