આરોપીઓ ઝડપવા પોલીસને વધુ અધિકાર આપતું નવું સંશોધન બિલ આજે વિધાનસભામાં થશે રજૂ
Live TV
-
વિધાનસભાના સત્રનો આજે બીજો દિવસ છે. આજે કેટલાક મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા થવાની છે. જેમાં અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત સુધારા બિલ ગૃહના પટલ પર રજૂ થશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બિલનું વાંચન કરશે.
આ સિવાય શ્રમ અને રોજગાર મંત્રી દિલિપ ઠાકોર ઔદ્યોગિક તકરાર અધિનિયમ બિલ, કોન્ટ્રાક્ટ મજૂર, નાબૂદી બિલ અને કારખાના બિલ પર ગૃહમાં નિવેદન આપશે અને બિલની જોગવાઈઓથી ગૃહને અવગત કરાવશે. જો વાત સત્રના પ્રથમ દિવસની કરીએ તો સત્રની શરૂઆતમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી અને કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
ત્યારબાદ કોરોના વોરિયર્સ અંગે ચર્ચાઈ કરાઈ હતી અને ત્યાર પછી વિવિધ બિલો અને વટહૂકમોની સાથે ટૂંકી મુદ્દતના પ્રશ્નો રજૂ કરાયા હતા. રાજ્યમાં બિસ્માર રોડ-રસ્તા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યમાં થયેલ ભારે વરસાદને કારણે જે રસ્તાઓને નુકસાન થયું છે તે તમામ રસ્તાઓ દિવાળી સુધીમાં પહેલા જેવા થઇ જશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારે કરેલી કામગીરીનો સંકલ્પ રજૂ કરતા કહ્યુ કે, કોરોના મહામારીનો મક્કમતા પૂર્વક સામનો કરવામાં આવી રહ્યો છે.કોરોના વોરિયર્સની ભૂમિકા ખુબ જ પ્રશંસનીય રહી છે.સરકારની કોરોના સામેની કામગીરીની ઉચ્ચત્તમ ન્યાયાલય, નીતિ આયોગ તેમજ WHO એ પણ સકારાત્મક નોંધ લીધી છે.જે ગૌરવની વાત છે.
