ઉપરાષ્ટ્રપતિ ઍમ.વૈંકયા નાયડુએ નવસારી ખાતે નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો
Live TV
-
ગુજરાતની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ ઍમ.વૈંકયા નાયડુએ આજે નવસારી ખાતે નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. આ તકે નાયડુએ કહ્યું કે, શિક્ષણ અને ઉદ્યોગોની સાથે જ સારી આરોગ્ય વ્યવસ્થા જે તે વિસ્તારનાં આર્થિક વિકાસને ગતિ આપે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દાનવીર એ.એમ.નાયકનાં ટ્રસ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી આ 500 બેડની હોસ્પિટલ દક્ષિણ ગુજરાતનાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ઉપરાષ્ટ્રપતિએ બદલાતી જીવનશૈલીને કારણે વધી રહેલા રોગચાળા સામે લોકોમાં જાગૃતિ કેળવવા માટે સરકારી તેમજ ખાનગી આરોગ્ય સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી. તેમણે પશ્ચિમી સંસ્કૃતિનાં આંધળા અનુકરણ કરતા ભારતની ઉચ્ચત્તમ પરંપરા અને જીવનશૈલીને અપનાવવાનો પણ આ વેળાએ અનુરોધ કર્યો હતો. લાર્સન ઍન્ડ ટૂબ્રોનાં ચેરમેન એ.એમ.નાયકે વ્યક્તિગત ક્ષમતા સાથે સ્થાપેલ આ હોસ્પિટલ, આઠ ઍકરમાં પથરાયેલા ઍ.ઍમ.નાયક હેલ્થકેર કોમ્પ્લેક્ષમાં આકાર લેશે.
આ પ્રસંગે નવસારીનાં સાંસદ આર.સી.પાટિલ અને ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમાર સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતા. ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિએ સુરત શહેરનાં ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા આસંવાદ કાર્યક્રમમાં નાયડુએ જણાવ્યું હતું કે અન્ય દેશોની સરખામણીમાં ભારત પાસે સૌથી વધુ યુવાધન છે.
