ગાંધીનગર NFSU ખાતે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો રાજ્યકક્ષાનો પ્રારંભ
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ દેશવ્યાપી ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરાવ્યો છે. જેના ભાગરૂપે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે આ અભિયાનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને દેશભરના યુવાનોને નશામુક્ત ભારત માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. NFSU ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને યુવાનો સાથે સાર્થક સંવાદ કર્યો હતો અને યુવા પેઢીને વિકસિત ભારતના નિર્માણ માટે નશામુક્ત રહેવાનો સંદેશ આપ્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત, જળસંચય, પર્યાવરણ અને વડીલોના સત્કારનો ‘નશો’ (વ્યસન) યુવાનોએ અપનાવવો જોઈએ. તેમણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી સાથે અંદાજે 8.5 લાખ ખેડૂતો જોડાયા હોવાની માહિતી આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાધનને નશામુક્ત બનાવવા અને 'માય ભારત'ના વિચાર સાથે રાષ્ટ્રઉત્થાનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.દેશભરના 26 રાજ્યોના રાજ્યપાલઓ અને 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગી થયા હતા.‘માય ભારત’ પ્લેટફોર્મ દ્વારા દેશના અંદાજે 2.5 કરોડથી વધુ અને ગુજરાતના 9 લાખથી વધુ યુવાનો આ અભિયાન સાથે જોડાયા છે.ઉપસ્થિત યુવાનોને નશામુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ જાગૃતિ અર્થે એક વિશેષ વીડિયો અને નુક્કડ નાટક રજૂ કરાયું હતું.આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, NFSUના ચાન્સેલર ડૉ. જે.એમ. વ્યાસ, જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખેતાલે, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. એસ.ઓ. જૂનારે સહિત બહોળી સંખ્યામાં Gen-Z યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
