ગુજરાતનાં એક લાખ 17 હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો
Live TV
-
રાજયમાં કોરોના રસીકરણનાં ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 1 લાખ 17 હજારથી વધુ લાભાર્થીઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો જેમાં 60 વર્ષથી વધુ ઉંમરનાં અને 45 થી 60 વર્ષનાં ગંભીર રોગોથી પીડિત લોકોનો સમાવેશ થાય છે. રસી માટે લાયક લાભાર્થી કોવિડ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણનાં સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અથવા નિયત કરેલ ઓળખપત્ર તથા ૪૫-૫૯ વર્ષનાં ગંભીર રોગનાં લાભાર્થીએ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીશનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે. રાજયમાં 60 વર્ષથી વધુ વયનાં વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રસીકરણનો ગઇકાલથી આરંભ થયો છે. જે અનુસંધાને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રસીકરણનો શુભારંભ દમણ મેડીકલ એસોસિયેશના પ્રમુખ ડો. એસ.એસ.વૈશ્યએ કરાવ્યો હતો.
મહત્વનું છે કે, મોટી દમણ સી.એચ.સી. હોસ્પિટલ, કડૈયા વેલનેસ સેન્ટર, સોમનાથ વેલનેસ સેન્ટર અને કચ્છી ગ્રામ સરકારી હોસ્પિટલોમાં વડીલોને નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે. પંચમહાલ જીલ્લાનાં વહીવટીતંત્ર તરફથી જીલ્લા વિકાસ અધિકારી એસ.કે. રાઠોડે 60 વર્ષથી વધુ વયના વડીલો અને તમામ જીલ્લાવાસીઓને વેક્સિનેશન કાર્યક્રમમાં સહયોગ આપી રસીકરણનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
