મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોધરા ખાતે જાહેર સભામાં સંબોધન કર્યુ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોધરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભામાં સંબોધન કર્યુ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ચુક્યો છે. ગોધરા નગરપાલિકા, પંચમહાલ જિલ્લા પંચાયત, જિલ્લાની 7 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગોધરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધિત કરી હતી. લાલબાગ ટેકરી મેદાનમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભામાં સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપી બહુમતીથી જીત અપાવવા બદલ જનતાનો આભાર માન્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહાનગરપાલિકાના પરિણામોમાં ભાજપનો ડંકો વાગ્યા બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોધરા ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આવા જ સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે જનસભાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે, કોર્પોરેશનના પરિણામોએ દેખાડી દીધું કે કોંગ્રેસ સત્તાના તો લાયક નથી, પણ વિરોધપક્ષમાં બેસવાલાયક પણ નથી. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમ્યાન પણ ભાજપનો કોઈ કાર્યકર્તાએ સેવા કરવાની એકપણ તક ગુમાવી નથી. તેમણે ગોધરાની જનતાને સંબોધતા કહ્યું કે, 28મી તારીખ તમારી છે. પછીના પાંચ વર્ષ અમારા છે. અમારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ સાથે જ કામ કરે છે.
