17 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની ચેતવણી, અમદાવાદમાં 15 મેએ પડી શકે વરસાદ
Live TV
-
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 17 મે સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રિમોનસુન એક્ટિવીટીના ભાગરૂપે આગામી 5 દિવસ વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ ગુજરાતના 8 જેટલા શહેરમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયુ છે. 41.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. સુરેન્દ્રનગરમાં 41.5, રાજકોટમાં 41.3, ગાંધીનગરમાં 41.2 અને ડીસામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દાહોદ, છોટાઉદેપુર, અમરેલીમાં પણ 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે તાપમાન.
આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, આગામી 17 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ પ્રિ-મોનસુન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાત પર પણ થશે જેના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલીક જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે.
આજે મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, તેમજ દમણ અને દાદરા નગરહવેલીનો સમાવેશ થાય છે. 13 મેએ ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 મેએ કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની પડવાની વકી છે. 13 મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની શક્યતા કરવામાં આવી છે. તો ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. 14 મેના રોજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લીમાં 14 મેએ ભારે વરસાદની ચેતવણી છે. આ સહિત દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી છે. 15 મેએ ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાવ, દાહોદમાં વરસાદની આગાહી છે, 16 મેએ ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદ પડી શકે છે. 17 મેએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
