PM મોદીના સફળ સુશાસનના 12 વર્ષ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન
Live TV
-
ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને અવિરત સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતના નાગરિકો વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનને પત્ર લખીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
ભારતનું વૈશ્વિક ગૌરવ અને અતૂટ વિશ્વાસ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પત્રમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનના આ ૧૨ વર્ષના કાર્યકાળે વિશ્વમાં ભારત અને ભારતીયોનું ગૌરવ અનેકગણું વધાર્યું છે. જ્યારે આતંકવાદ સામે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવા પગલાં ભરીને જડબાતોડ જવાબ આપ્યો, ત્યારે દરેક નાગરિકે ગર્વ અનુભવ્યો છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'નો મંત્ર આજે એક રાષ્ટ્રીય સંકલ્પ બની ચૂક્યો છે.સામાન્ય માનવીનું કલ્યાણ અને ઐતિહાસિક સિદ્ધિઓ
વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ લેવાયેલા મહત્વના નિર્ણયોની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી:
ગરીબી નાબૂદી: પીએમ મોદીના નેતૃત્વમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે.
સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ: યુવાનોને 'જોબ ગીવર' બનાવવાના મંત્રને કારણે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ બન્યું છે.
જનકલ્યાણ: જલ જીવન મિશન, આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના અને પીએમ સ્વનિધિ જેવી યોજનાઓ દ્વારા સામાન્ય માનવીના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.
આદિજાતિ વિકાસ: ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ પર રૂ. ૨ લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાની ભેટ આપીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસનો માર્ગ મોકળો કર્યો છે.
ગુજરાતનો વિકાસ: 'ગ્રોથ એન્જિન' થી 'વિકસિત ગુજરાત' તરફ
વડાપ્રધાન માટે ગુજરાત તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમના માર્ગદર્શનમાં રાજ્યે અદભૂત હરણફાળ ભરી છે.જળક્રાંતિ: વડાપ્રધાન બન્યાના માત્ર ૧૭ દિવસમાં નર્મદા યોજનાના ગેટ મુકવાની પરવાનગી આપીને વર્ષો જૂની માંગણીનો સુખદ ઉકેલ લાવ્યા, જેનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હરિત ક્રાંતિ આવી છે.
પ્રેરણાસ્થાન: સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી, અને સાબરમતિ રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ્સ પીએમ મોદીના વિઝનનું પરિણામ છે.
ટેકનોલોજી અને ઉદ્યોગ: સેમિકન્ડક્ટર હબ તરીકે ધોલેરા-સાણંદની તૈયારીઓ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે.
પત્રના અંતે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 'વિકસિત ભારત ૨૦૪૭'ના મહાસંકલ્પને સાકાર કરવામાં વડાપ્રધાનનું માર્ગદર્શન સદાય પ્રેરણાદાયી રહેશે અને ભારત અવશ્ય વિશ્વગુરુ બનશે.
