મતદાન અવશ્ય કરજો, દિલથી કરજો, પ્રેમથી કરજો, આનંદથી કરજો અને શાંતિથી કરજો:મુખ્ય ચુંટણી અધિકારી પી. ભારતી
Live TV
-
મારો એક મત નહિ આપવાથી શું ફર્ક પડશે? તેમ માનવું જરા પણ વાજબી નથી.
રાજ્યના 19 જિલ્લાઓની 89 વિધાનસભા બેઠકો માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકાર થકી સહભાગી થવા સૌ મતદારોને રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી પી. ભારતીએ અપીલ કરી છે.
લોકશાહીના આ અમૂલ્ય અવસરમાં 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ થકી સહભાગી થઈ શકશે. તમામ મતદારો મતદાનની આ નૈતિક જવાબદારીને સુપેરે નિભાવે તે માટે રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીએ મતદાનનું મહત્વ સમજાવી મતની શક્તિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
મતદારોને અપીલ કરતાં મુખ્ય ચુંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે, લોકશાહીના આ પવિત્ર પર્વમાં મત આપવો તે આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે. મારો એક મત નહિ આપવાથી શું ફર્ક પડશે? તેમ માનવું જરા પણ વાજબી નથી. એક મતની કિંમત પાણીના એવા ટીપાં જેટલી છે, જે એકજુટ થતાં સમુદ્ર બનાવે છે. જો પાણીનું એક ટીંપુ વિચારે કે હું ના હોવ તો સમુદ્રને શું ફર્ક પડે અને આ રીતે બધાં જ પાણીનાં ટીપાં વિચારે તો સમુદ્ર જ ના રચાય. એટલે મત તો જરૂર આપવાનો જ.
વધુમાં ઉમેર્યું કે, લોકશાહી એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર. લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે, માટે મત જરૂર આપજો. લોકશાહીના આ અવસરને આપણે બધાં પોત-પોતાના મતની શક્તિનો ઉપયોગ કરીને ઉજવીએ.
