રાજ્યમાં 19 ડિસેમ્બરે યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે કરાઈ સઘન પોલીસ વ્યવસ્થા
Live TV
-
રાજ્યમાં 19 મી ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત સહિત મતદાન જાગૃતિ કાર્યક્રમની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
દાહોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે આંતર રાજ્ય સરહદ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના જિલ્લાઓ અલીરાજપુર, ઝાબુઆ અને બાંસવાડાના કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
વલસાડ જિલ્લાના પોલીસ વડા ડોકટર રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમે જિલ્લાના અતિસંવેદનશીલ ગણાતા એવા 11 ગામોની મુલાકાત લીધી હતી.
નર્મદા જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ કેળવવાના આશયથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સહિત અધિકારીઓ- કર્મચારીઓએ આજે રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે “સહી ઝુંબેશ” કેમ્પેઇનમાં ભાગ લીધો હતો.
ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને પોલીસનો સઘન બંદોબસ્ત હાથ ધરાયો છે. તો બોટાદ જિલ્લામાં કુલ 346 મતદાન બુથ ઉપર તથા તાપી જીલ્લામાં 636 બુથ ઉપર પોલીસ કર્મચારીઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાની ગેડીયા, અખિયાણા અને નાગડકા પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ચોટીલા તાલુકાની ખેરાણા માધ્યમિક શાળામાં “મતદાન મહાદાન” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
