લોકસભામાં વિપક્ષના હોબાળા પર અમિત શાહ ભડક્યા, કહ્યું -'એટલે જ તેઓ વિપક્ષમાં બેઠા છે, આગામી 20 વર્ષ સુધી ત્યાં જ રહેશે'
Live TV
-
લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા ચાલી રહી હતી અને વિદેશ મંત્રી એસ. જયશંકર બોલી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષ હોબાળો કરીને વિક્ષેપ ઉભો કરી રહ્યો હતો. આ વિપક્ષના હોબાળાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભડક્યા હતા. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, તેમને ભારતના વિદેશ મંત્રી પર નહીં, પરંતુ પાકિસ્તાન પર ભરોસો છે. એટલે તેઓ ત્યાં બેઠા છે અને આગામી 20 વર્ષ સુધી ત્યાં જ બેસવાના છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, "મને આ વાત પર વાંધો છે કે ભારત દેશની શપથ લીધેલા વિદેશ મંત્રી અહીં બોલી રહ્યા છે, તેમના પર ભરોસો નથી, પરંતુ કોઈ બીજા દેશ પર ભરોસો છે. હું સમજી શકું છું કે તેમની પાર્ટીમાં વિદેશનું શું મહત્ત્વ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની પાર્ટીની બધી વાતો અહીં સદનમાં થોપવામાં આવે. ભારતના વિદેશ મંત્રી પર ભરોસો નહીં કરો. આ જ કારણ છે કે તેઓ ત્યાં (વિપક્ષી બેન્ચો પર) બેઠા છે અને આગામી 20 વર્ષ સુધી ત્યાં જ બેસવાના છે."
તેમણે આગળ કહ્યું, "જ્યારે તેમના અધ્યક્ષ બોલી રહ્યા હતા, ત્યારે અમે તેમને ધૈર્યપૂર્વક સાંભળી રહ્યા હતા. હું તમને કાલે જણાવીશ કે તેમણે કેટલા જૂઠ બોલ્યા છે. હવે તેઓ સત્ય પણ સાંભળી શકતા નથી. બેઠા-બેઠા બધાને ટોકા-ટોકી કરતા બધાને આવડે છે. એવું નથી કે અમને નથી આવડતું. પરંતુ, જ્યારે આવા ગંભીર વિષય પર ચર્ચા થઈ રહી હોય ત્યારે સરકારના મુખ્ય વિભાગના મંત્રીને બોલતી વખતે ટોકવું શું એ વિપક્ષને શોભે છે? અધ્યક્ષજી, તમે તેમને સમજાવો, નહીંતર અમે પણ પછીથી અમારા સભ્યોને કશું સમજાવી શકીશું નહીં."
વિદેશ મંત્રી જયશંકરે 'ઓપરેશન સિંદૂર' અને ભારતની ઝીરો-ટોલરન્સ નીતિ પર સ્પષ્ટતા કરી આ જ સમયે, વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા દરમિયાન સ્પષ્ટ કર્યું કે ભારત આતંકવાદ સામે પોતાની ઝીરો-ટોલરન્સ નીતિ પર અડગ છે, ખાસ કરીને જ્યારે તે પાકિસ્તાનથી શરૂ થાય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર કોઈ વાતચીત થઈ ન હતી. 22 એપ્રિલથી 17 જૂન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન કોલ થયો ન હતો."
