80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાર નાગરિકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા
Live TV
-
સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં, પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ.- જામનગરના જામસાહેબ શત્રુશૈલ્યસિંહજી
જામનગરના જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવાયેલ હતી.
આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના નિરીક્ષણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી. જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ આ પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વિધાનસભા-2022ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
જામનગરના જામસાહેબ શત્રુશૈલ્યજીસિંહજીના નિવાસ સ્થાનેથી ટપાલ મતપત્ર મારફત વિધાનસભા-2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં, પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ."
જામસાહેબએ નિર્દિષ્ટ મતદારો માટે ઘર આંગણે જ મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્રને અભિનંદન પાઠવ્યું હતું. તેમણે દરેક નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા અનુરોધ કરાયો.
